bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Lamentations 2
Lamentations 2
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 3 →
1
પ્રભુએ કોપરૂપી વાદળાંથી સિયોનની દીકરીને કેવી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે, ને પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી.
2
યહોવાએ યાકૂબનાં સર્વ રહેઠાણ નષ્ટ કર્યાં છે, ને [તેઓ પર] દયા રાખી નથી. તેમણે કોપ કરીને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગીને તોડી નાખ્યા છે. તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે. તેમણે રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે.
3
તેમણે ભારે કોપથી ઇઝરાયલનું દરેક શિંગ કાપી નાખ્યું છે. યહોવાએ શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે. અને જે ભડભડ બળતો અગ્નિ ચારે તરફનું ખાઈ નાખે છે, તેની જેમ યહોવાએ યાકૂબને બાળી નાખ્યું છે.
4
શત્રુની જેમ યહોવાએ પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે, ને જાણે સામાવાળા હોય તેમ તે પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે, ને જે બધાં દેખાવમાં સુંદર હતાં, તેમનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં યહોવાએ પોતાનો કોપ અગ્નિની જેમ રેડ્યો છે.
5
પ્રભુ શત્રુના જેવા થયા છે, તેમણે ઇઝરાયલને પાયમાલ કર્યો છે. તેના સર્વ રાજમહેલોને તેમણે પાયમાલ કર્યા છે તેમણ તેના કિલ્લાઓનો નાશ કર્યો છે. અને તેમણે યહૂદિયાની દીકરીના ખેદ તથા વિલાપ વધાર્યા છે.
6
જાણે કે વાડીનો મંડપ હોય, તેમ યહોવાએ પોતાનો મંડપ બલાત્કારથી તોડી પાડ્યો છે! તેમણે પોતાનું સભાસ્થાન નષ્ટ કર્યું છે. યહોવાએ સિયોનમાં નીમેલાં પર્વ તથા સાબ્બાથને વિસ્મૃત કરાવ્યાં છે, ને પોતાના ક્રોધાવેશમાં પ્રભુએ રાજાને તથા યાજકોને તુચ્છકાર્યા છે.
7
પ્રભુએ પોતાની વેદી તજી દીધી છે, તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. પ્રભુએ તેમના રાજમહેલોની ભીંતો શત્રુના હાથમાં સોંપી દીધી છે. જેમ શુભ સભાને દિવસે ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાના મંદિરમાં ઘોંઘાટ કર્યો છે.
8
યહોવાએ સિયોનની દીકરીનો કોટ નષ્ટ કરવાનો નિશ્ચય કર્યો છે. તેમણે દોરી તાણી છે, તેમણે નાશ કરવાથી પોતાનો હાથ પાછો ખેંચ્યો નથી. તેમણે બુરજ તથા કોટને ખેદિત કર્યા છે; તેઓ એકત્ર ખિન્ન થાય છે.
9
તેના દરવાજા જમીનદોસ્ત થયા છે; પ્રભુએ તેની ભૂંગળોને ભાંગીને નષ્ટ કરી છે. જે વિદેશીઓમાં નિયમશાસ્ત્ર નથી હોતું તેવા લોકોમાં તેનો રાજા તથા તેના સરદારો છે! વળી તેના પ્રબોધકોને યહોવા તરફથી સંદર્શન થતું નથી.
10
સિયોનની દિકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુમારિકાઓએ પોતાનાં માથાં જમીન સુધી નમાવ્યાં છે.
11
આંસુ પાડી પાડીને મારી આંખોનું તેજ ઘટી ગયું છે. મારી આંતરડી કકળે છે. મારા લોકની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે; કેમ કે છોકરાં તથા ધાવણાં બાળકો નગરના મહોલ્લાઓમાં મૂર્ચ્છિત થાય છે.
12
નગરના મહોલ્લાઓમાં ઘાયલ થયેલાની જેમ તેઓને મૂર્ચ્છા આવે છે, અને ધાન્ય તથા દ્રાક્ષારસ ક્યાં છે એવું પોતાની માતાઓને પૂછતાં પૂછતાં તેઓ તેમની ગોદમાં પ્રાણ છોડે છે.
13
હે યરુશાલેમની દીકરી, હું તને શો બોધ આપું? હે સિયોનની કુંવારી દિકરી હું તને કોની ઉપમા આપું? હું તને દિલાસો દેવા માટે તને શાની સાથે સરખાવું.? કેમ કે તારું બાકોરું સમુદ્ર જેવડું છે! તારું દુ:ખ કોણ ટાળી શકે?
14
તારા પ્રબોધકોએ તારે માટે નિરર્થક તથા ઘેલાં સંદર્શનો જોયાં છે; અને તેઓએ તારો અન્યાય ઉઘાડો કર્યો નહિ કે, જેથી તારો બંદિવાસ પાછો ફેરવાઈ ગયો હોત; પણ તેઓએ તારે માટે અસત્ય વચનો તથા દેશનિકાલ થાય. એવાં સંદર્શનો જોયાં છે.
15
જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે: “જે નગરને લોક સુંદરતાની સંપૂર્ણતા, આખી પૃથ્વીનું આનંદાસ્પદ કહેતા હતા, તે શું આ છે?”
16
તારા સર્વ શત્રુઓએ તારા પર પોતાનું મુખ ઉઘાડીને પહોળું કર્યું છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, “અમે તેને ગળી ગયા છીએ! જે દિવસની વાટ અમે જોતા હતા તે નક્કી આ જ છે! આજે એ આવ્યો! આપણે એ જોવા પામ્યા!”
17
યહોવાએ જે નિર્ણય કર્યો હતો તે તેમણે પાર પાડ્યો છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પાર પાડ્યું છે. દયા રાખ્યા વગર તેમણે તને તોડી પાડ્યું છે. અને તારો શત્રુ તારા [હાલ જોઈને] હરખાય, એવું તેમણે કર્યું છે. પ્રભુએ તારા દુશ્મોનોનું શિંગ ઊંચું ચઢાવ્યું છે.
18
પ્રભુને હાંક માર, હે સિયોનની દીકરીના કોટ, રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતને વિસામો ન દે; તારી આંખની કીકીને જંપવા ન દે.
19
તું ઊઠીને રાતના પહેલા પહોરે મોટેથી [પ્રાર્થના કર]. પ્રભુની સમક્ષ તારું હ્રદય પાણીની જેમ રેડ. તારાં જે બાળકો સર્વ મહોલ્લાઓનાં નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ [ના બચાવ] ને માટે તારા હાથ પ્રભુની તરફ ઊંચા કર.
20
હે યહોવા, જુઓ, ને વિચાર કરો કે, તમે કોને આવું [દુ:ખ] દીધું છે! શું સ્ત્રીઓ પોતાના પેટના ફળને એટલે ખોળામાં રમાડેલાં પોતાનાં ધાવણાં બાળકોને ખાય? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્ર સ્થાનમાં માર્યા જાય?
21
જુવાન તથા વૃદ્ધ મહોલ્લાઓમાં ભૂમિ પર પડેલા છે. મારી કન્યાઓને તથા મારા જુવાનોને તરવારથી કાપી નાખવામાં આવ્યાં છે. તમે તમારા કોપના સમયમાં તેઓને મારી નાખ્યાં છે. તમે દયા કર્યા વગર તેમને કતલ કર્યા છે.
22
જાણે કે પર્વના દિવસને માટે તમે મારી આસપાસ [લડાઈની] બીક ઊભી કરી છે. ને યહોવાના કોપને દિવસે કોઈ છૂટ્યો અથવા બચી ગયો નથી. જેઓને મેં ખોળામાં રમાડ્યાં તથા ઉછેર્યાં, તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યાં છે.
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 3 →
All chapters:
1
2
3
4
5